જાણો ચામુંડા માતાજી ના ઇતિહાસ વિશે

                                                ચામુંડા માતાજીનો ઇતિહાસ 

 

 

 

 

 

ચોટીલા-રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પંચાલ તરીકે ઓળખાતો હતો. અહીં માતા ચામુંડાનું મંદિર છે. માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે, જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા, કાલી માતા, અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે. ચામુંડા માતાજી ઘણા હિંદુઓના કુળદેવી છે. માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃતિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચુક્યું છે. આજે ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે. આશરે 20,000 લોકોની વસતી ધરાવતું ચોટીલાનો સ્થાનિક વહીવટ ચોટીલા નગરપાલિકા કરે છે. 


જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતાં હોય છે. ચોટીલા પર્વત ચઢીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચઢવા પડે છે. રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નં-8-એ પર વચ્ચે આવે છે ચોટીલા. અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 190 કિ.મી અને રાજકોટથી આશરે 50 કિ.મી જેટલું થાય છે. સમુદ્ર સપાટીથી તુલનાને ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પણ, ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે. ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1.173 ફીટ જેટલી છે. 

ચોટીલામાં પ્રવેશતા જ સંખ્યાબંધ ચૂંદડી અને પ્રસાદની દુકાનો નજરે ચઢે છે. આ સિવાય ચામુંડા માતાજીના મહિમાનું ગાન કરતી કેસેટો, સીડી, ડીવીડીની દુકાનો તો ખરી જ! ચોટીલા પર્વતના તળિયે આવી સેંકડો દુકાનો જોવા મળે છે. ચોટીલા પર્વતથી થોડે દૂર વાહન પાર્ક કર્યાં બાદ શ્રદ્ધાળુઓએ થોડું અંતર ચાલિને કાપવું પડે છે ત્યાર બાદ પર્વતના ચઢાણની શરૂઆત થાય છે. છેક પર્વતના શિખર સુધીના પગથિયાં પથ્થર વડે બનેલા છે.
 
ચામુંડા માતાજીને રણ-ચંડી (યુદ્ધની દેવી) તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે. તેમની છબિમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે કેમ કે તેમને ચંડી-ચામુંડા પણ કહેવામાં આવે છે. ચામુંડા માતાજીની છબિમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે. તેમનું વાહન સિંહ છે. 

મંદિર વિષે ની રસપ્રદ માહિતી

ચોટીલા ચામુંડા માતાજીના સ્‍થાને વિશેષ પરંપરા છે. અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો-પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે. રાત્રીના ઉપર કોઇ રોકાઇ શકતુ નથી. એક માત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત પાંચ વ્‍યકિતને ડુંગર ઉપર રાત્રી રહેવાની મંજુરી માતાજીએ આપી છે. ડુંગર પર મુખ્‍ય મંદિરમાં માતાજીના બે સ્‍વરૂપ છે. આ બે સ્‍વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે, જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કરેલો.
 
અગાઉ ચોટીલા પર ખાચર વંશના રાજાઓનું શાસન હતું. ચોટીલા પ્રસિદ્ધ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ પણ છે. મંદિરના વ્યવસ્થિતપણે વિકાસ કરી શકાય તે હેતુથી 1964માં શ્રી ચામુંડા માતાજી ડુંગર પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટર કરાવવામાં આવ્યું, જેમાં હાલ કુલ 17 ટ્રસ્ટી છે. સ્વ. મહંતશ્રી ગુલાબગિરિ બાપુના વંશને છેલ્લા 135 વર્ષથી ચામુંડા માતાજીની પૂજા-અર્ચના કરે છે.

 
 

 

Comments